~ पीयूष मिश्रा
મમ્મી
લઇ ગઈ હતી મને એ દિવસે ફોટો સ્ટુડિયોમાં... સ્પેશ્યલ આ કૉસ્ચ્યુમ માં ફોટો
પડાવવા માટે...અને એ કૉસ્ચ્યુમ પણ મારા મામાના દીકરા મિતનો હતો. એને
ક્યાંક સ્કૂલમાં કે અમારી ન્યાતના કાર્યક્રમમાં કાનુડો બનવાનું હશે તે એ
પછી આપડે'ય બનેલા..ઘરમાં જ. (નાના બાળકને કૃષ્ણ કરતા કાનુડો કેહવું જ વધારે
શોભે.) અને દરેક મા ની જેમ મારી મમ્મીને પણ એના દીકરા માટે આવી હોંશ અને
સામાન્ય કહી શકાય એવી ઈચ્છા હશે. આમે'ય પપ્પા કરતા મમ્મી વધારે શોખીન.
પપ્પા તો નોહતા આવી શક્યા કદાચ, એમના કામમાં વ્યસ્ત હોવાને લીધે પણ મને
પાક્કી ખાતરી છે કે "ફોટો પડાવી આવ જે હો મીના" એવું એ જરૂર કહેતા ગયા હશે.
હું ત્યારે લગભગ ચારેક વર્ષનો હોઈશ એટલે કે વાત છે 1998 આસપાસની. એ વખતે
તો મોબાઈલ પણ નોહતા કદાચ અને આવ્યા હશે તો પણ નવા નવા જ અને એ પણ પેલા
કી-પેડ કે જે સામાન્ય વર્ગને તો પોસાય એવાં હતાં જ નહીં પાછા. એટલે આજની
જેમ ઈંસ્ટન્ટ ફોટોની વ્યવસ્થા એ વખતે નોહતી. અને સ્ટુડિયોમાં ફોટો પડાવ્યા
પછી પણ કઈં તરત થોડો મળતો?! એ પછી પણ એક-બે દિવસ રાહ જોવી પડતી... સ્ટુડિયો
વાળા ભાઈને ત્યાં ફોટો લેવા જવું પડતું... અને ત્યારે ખબર પડતી કે કેવો
ફોટો આવ્યો છે. આ તો આજે આ ફોટો જોયો અને એની ધૂંધળી યાદો મારા માનસપટ ઉપર
છવાઈ ગઈ. બધું તો મને ક્યાંથી સરખું યાદ પણ હોય... પણ યશોદા મૈયા ને બધું
બરાબર યાદ હતું... મેં અત્યારે પૂછ્યું તો સ્ટુડિયોના નામ સાથે મને કીધું
કે આ સ્ટુડિયોમાં ગયેલા. અને આ વાત લખતા લખતા અત્યારે જ આવેલો એક વિચાર -
મને એવું લાગે છે કે ખરા અર્થમાં મેં તો જન્માષ્ટમી ઉજવી લીધી... કારણ કે
આજે હું ફરી પાછો મારી બાળપણની શેરીઓ સુધી પહોંચ્યો, સંસ્મરણો સુધી
પહોંચ્યો. મા પાસે બેસીનેે એની પાસેથી મારી વાતો સાંભળી. હવે બાળપણના
દેવ..પ્રેમના દેવ..કૃષ્ણના જન્મદિનની આથી વધારે કઇ મોટી ઉજવણી હોય વળી..?!
મારે મન તો હું મારી મા પાસે બેસું 'ને મને કૃષ્ણ મળી ગયા..મારુ નાનપણમાં એ
પીતાંબર પહેરવું 'ને મને કૃષ્ણ મળી ગયા..માથે મોરપીંછ ખોસવું 'ને મને
કૃષ્ણ મળી ગયા..બાળપણને યાદ કરું 'ને મને કૃષ્ણ મળી ગયા..હું વાંસળી વગાડું
'ને મને કૃષ્ણ મળી ગયા..એનું એકાદ ગીત ગણગણું 'ને મને કૃષ્ણ મળી ગયા..અને આ
મળી ગયા પણ શું હોય વળી?! કૃષ્ણને આજ સુધી પૂર્ણતઃ તો કોણ પામી શક્યું છે?
જે જેવું હોય છે કૃષ્ણ એની સાથે એવા બનીને રહે છે! એટલે મેળવી લીધા કરતાંય
આ બધી વાતો દરમ્યાન મેં મારી સમજણ મુજબ...કાનુડો બનીને કૃષ્ણને સ્પર્શી
લીધા એવું તો જરૂર કહી શકું...!
આ સાથે જ...નંદ ઘેર આનંદ ભયો... જય કનૈયાલાલ કી.
આપ સર્વેને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છા.

No comments:
Post a Comment