મારા પપ્પા...
કાલે રાત્રે પપ્પા સાથે ફોન પર વાત થઇ. પપ્પાનો
સ્વભાવ મારા માટે, મને લઈને થોડોક વધારે પડતો જ ચિંતાળુ! એટલે અમારી વાતમાં ખાસ તો
બે જ વાત વધારે હોય, એક એમનું બોલવાનું અને બીજુ મારું સાંભળવાનું. હા, મેં તો
એમને થતી ચિંતા ક્યાંથી અનુભવી હોય? અને હું પપ્પાને કંઈ કહું કે સમજાવવા જાઉં તો પપ્પાનો
એક જ જવાબ હોય “એ તો તું બાપ બનીશ ને ત્યારે ખબર પડશે” અને મારી બોલતી બંધ થઇ જાય.
કાલે રાત્રે જે વાત થઇ એમાં પણ કંઈ નવું
નહોતું. હા બસ, એ જ... એ જ. થોડી ઘણી સુચનાઓ, થોડીક સલાહ અને છેલ્લે ધ્યાન રાખીને
ભણજે, બીજી બધી વસ્તુઓમાં સમય ઓછો બગડે એવું કરજો. અને મોબાઈલ થી તો ખાસ દુર જ
રહેજે, એનું બહુ ‘વળગણ’ (પપ્પાના મોઢે ખબર નહિ કંઈ કેટલીયે વાર સાંભળેલો શબ્દ) નહિ
રાખવાનું. આ બધું તો ખરું જ પણ કાલે પપ્પાએ એક વાત બીજી પણ કીધી, એમણે મને કહ્યું
કે “તારી સતત ચિંતા રહેતી હોય એટલે તને કેહતો હોઉં બાકી તને વઢવામાં કે બોલવામાં
હું ખુશ થોડો હોઉં? તને ખબર છે મારી આંખમાં ખુશીના આંસુ ક્યારે આવેલાં? આ આખી
જિંદગીમાં એક જ વખત અને એ તું જન્મ્યો ને ત્યારે. નહિ એની પહેલા ક્યારેય કે નહિ
એના પછી.
આમ જુઓ તો વાત સાવ નાની છતાંય ઘણી મોટી વાત.
જગતના દરેક બાપને પોતે બાપ બન્યાનો આનંદ, ખુશી, હર્ષ, હરખ અને બીજા જેટલા પણ શબ્દો
છે એને વ્યક્ત કરવાના એ બધાં જ અહીં મુકું તો પણ ઓછાં પડે – એ હોય જ. આમાં મેં કંઈ
નવી કે મોટી વાત નથી કરી. દુનિયાનાં તમામ મા-બાપને એમના સંતાનો ખુબ વહાલા હોય જ.
પણ
શું બધાજ સંતાનોને એમના મા-બાપ એટલા જ વહાલા હોય છે?
પ્રશ્ન છે તમારા માટે. . . વિચારજો.
અને જવાબ
મને નહિ તમારા મનને જ આપવાનો છે.
~ આનંદ નંદાણી ‘મન’
No comments:
Post a Comment